વિભક્તિ
વિભક્તિ
→ એક પદને બીજા પદ સાથે જોડવાનું કામ કરનાર ઘટકોને “વિભક્તિ પ્રત્યય” કહે છે.
→ ગુજરાતીમાં સંસ્કૃત અનુસરીને વિભક્તિના પ્રત્યય નીચે પ્રમાણે મળે છે.
| વિભક્તિ | પ્રત્યય |
| પ્રથમા – કર્તા વિભક્તિ | પ્રત્યય વગર, એ |
| દ્વિતીયા – કર્મ વિભક્તિ | પ્રત્યય વગર, ને |
| તૃતીયા – કરણ વિભક્તિ | થી, વડે, દ્વારા, મારફત, થકી “એ” વગેરે |
| ચતુર્થી – સંપ્રદાન વિભક્તિ | ને, માટે, કાજે, વાસ્તે, સારું |
| પંચમી – અપાદાન વિભક્તિ | થી, એથી, થકી, વડે, માંથી વગેરે |
| ષષ્ઠી – સંબંધ વિભક્તિ | નો, ની, નું, ના, ભણું, કેરું, તણું |
| સપ્તમી – અધિકરણ વિભક્તિ | માં, એ, પર, તરફ |
પ્રથમા – કર્તા વિભક્તિ
→ ક્રિયાનો કરનાર એટલે કર્તા.
→ પ્રત્યય : “અનુગ” વિના, એ, ને, થી
ઉદાહરણ
રાજા વનમાં ગયાં.
ગિલાએ છકડો લીધો.
ગાંધીજીને દેશનું કામ કરવું હતું.
રેશમા બહારગામ જાય છે.
દ્વિતીયા – કર્મ વિભક્તિ
→ કર્તા જે કાર્ય કરે તે કર્મ.
→ ક્રિયાપદની સાથે કર્મનો સંબંધ દર્શાવે છે.
→ પ્રત્યય : પ્રત્યય વગર, ને
ઉદાહરણ
પ્રદીપ ચિત્રમાં ગાંધીજીને જુએ છે.
ચિરાગ પત્ર લખે છે.
ખુશી દર્પણમાં એનું રૂપ જુએ છે.
વિદ્યાર્થી શિક્ષકને સાંભળે છે.
તૃતીયા – કરણ વિભક્તિ
→ કાર્ય કરવામાં જે ઉપયોગી બને તે સાધન.
→ કાર્ય કરવામાં જેનો ઉપયોગ થતો હોય તે.
→ ક્રિયાપદની સાથે કરણ (સાધન) નો સંબંધ દર્શાવે છે.
→ પ્રત્યય : થી, વડે, દ્વારા, મારફત, થકી “એ” વગેરે
ઉદાહરણ
તેણે કલમથી કાગળ લખ્યો.
તે ગણિતનાં દાખલા મોઢેથી ગણે છે.
બધુ કામ એ મોજથી કરતો.
બા ફાનસના ગોળાને રાખથી સાફ કરતી.
ચતુર્થી – સંપ્રદાન વિભક્તિ
→ વાક્યમાં જ્યારે કંઈ આપવાની વાત થાય ત્યારે “સંપ્રદાન વિભક્તિ” બને.
→ ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે વિભક્તિ એટેલે “સંપ્રદાન”.
→ ટૂંકમાં ક્રિયાપદ સાથે કંઈક આપવાનો સંબંધ દર્શાવે છે.
→ પ્રત્યય : ને, માટે, કાજે, વાસ્તે, સારું
ઉદાહરણ
તે ગરીબોને દાન આપો.
તે વિદ્યાર્થી શિક્ષકને ચોપડી આપતો.
સૈનિકો યુદ્ધ માટે તૈયાર છે.
પંચમી – અપાદાન વિભક્તિ
→ જ્યારે છૂટા પાડવાનો, અંતર દર્શાવવાનો કે દૂર જવાનો ભાવ દર્શાવવામાં આવે ત્યારે “અપાદાન વિભક્તિ” બને.
→ પ્રત્યય : થી, એથી, થકી, વડે, માંથી વગેરે
ઉદાહરણ
એણે ખિસ્સામાંથી પત્ર બહાર કાઢ્યો.
એ મારાથી ઘણો આગળ છે.
અમદાવાદથી રમેશ પોતાના ઘરે જાય છે.
હું તો સવારે જ ઘરેથી નીકળી ગયો છું.
ષષ્ઠી – સંબંધ વિભક્તિ
→ એક નામનો સંબંધ જ્યારે અન્ય નામ સાથે જોડાય ત્યારે સંબંધ વિભક્તિ બને છે.
→ જ્યારે વ્યક્તિ- વ્યક્તિ, વસ્તુ – વસ્તુ કે વ્યક્તિ- વસ્તુ વચ્ચેના સંબંધ દર્શવવામાં આવે ત્યારે “સંબંધ વિભક્તિ” બને.
→ ટૂંકમાં સંજ્ઞા સાથે સંજ્ઞાનો સંબંધ દર્શાવે છે.
→ પ્રત્યય : નો, ની, નું, ના, ભણું, કેરું, તણું
ઉદાહરણ
પિતાજીની શક્તિ અદભૂત હતી.
આ શાળાનાં બાળકો ભણવામાં હોશિયાર છે.
પતિ કેરી પત્ની.
ડુંગર, કેરી ખીણમાં ગંભુ નામે ગામ
સપ્તમી – અધિકરણ વિભક્તિ
→ ક્રિયાનું સ્થાન કે સમય દર્શાવે તે વિભક્તિને “અધિકરણ વિભક્તિ” કહે છે.
→ ક્રિયાનો આધાર જેના પર હોય તે “અધિકરણ વિભક્તિ” કહેવાય છે.
→ પ્રત્યય : માં, એ, પર, તરફ
ઉદાહરણ
રમેશ ઘરમાં છે.
મારા પિતાજી સવારમાં ગામ જવા નીકળ્યા.
ઝાડની ડાળીએ ઝૂલતા પક્ષીઓ નિદ્રામાં ડૂબ્યા.
અષ્ટમી – સંબોધન વિભક્તિ
→ વાકયમાં જ્યારે કોઈને સીધું સંબોધન આપવામાં આવ્યું હોય ત્યારે “સંબોધન વિભક્તિ” બને છે.
ઉદાહરણ
બહેન, મેન માફ કરજો.
ભાઈ! આ કાર્ય તમે જ કરજો.
હે ઈશ્વર ! આ શું થઈ ગયું?
ભાઈ, તમે ધીરજ રાખો.